Our History

ગ્રીષ્મ તાલીમ વર્ગ

ગ્રીષ્મ તાલીમ વર્ગ

આનંદ મંગળ મંડળ સંસ્થાના સ્થાપકો (1940)

"હું મારા મજૂર મિત્રોની સાથે જગ્યાની શોધમાં પડ્યો, અને આખરે જમનાકુંડ પાસેની જમીન પસંદ કરી, નાકે ડૂચો દ્દઈએ તો દુર્ગંધ મોઢામાં પ્રવેશી જાય એવી પડતર, ખાડા ટેકરાવાળી આ જગ્યા કોઈ ઠેકાણે પાંચ હાથ ઊંડી તો ક્યાક બે હાથ ઊંચી હતી. આ સ્થાન ઊભા રહી આકાશ તરફ મીટ માંડી મે મન સાથે નક્કી કર્યું, સંજોગો સામે શા માટે ન જુજવું?  વળી અમે મજૂર છીએ, "મજૂરી પણ મોટી મૂડી છે " એમ  ગાંધીજીએ નથી કહ્યું ? મે મારા મજૂર મિત્રો ને કાને આ વાત નાખી. આપણે પેટને માટે મજૂરી કરીએ છીએ તો બાળકો માટે થોડી મજુરી ન કરીએ?  તેઓએ હોંશે  હોંશે હા  પાડી. અને  પછી  મૂહર્ત  માટે કોઈને  પૂછવાજ  ન   રોકાયા.દિવસો  સુધી  રાત્રીના  કોદાળી , પાવડા અને ત્રિકમ લઈ તૂટી પડતાં. દિવસ આખો મજૂરી કરીને અને જોત જોતામાં ઉકરડાનું સ્થાન ચોખ્ખું અને સપાટ બનાવી દીધું. એક વખતનું વેરાન અમારે મન વૈકુંઠ શું નાનકડું આગણું બની ગયું. અમને કઈંક સારું કર્યા નો આનંદ મળ્યો , આત્મસંતોષ થયો. આથી મોટી શાબાશી કે શરપાવ અમારે મન એકય નથી.” આછે પૂજય માનભાઇ ભટ્ટના શબ્દોમાં ગૌરવશાળી આનંદ મંગલ મંડળ ગ્રૂપ    

નીચે ડાબેથી : અમુભાઈ જોષી , જીવાભાઇ યાદવ , માણેકલાલ પંડ્યા, ચંદુભાઈ ભટ્ટ

વચ્ચે ડાબેથી: ચંદુભાઈ ત્રિવેદી, જયમલભાઈ યાદવ , બચુભાઈ કાંબડ, રવિશંકર જોષી, છનુભાઇ ગાંધી , માનભાઇ ભટ્ટ ,જયદેવભાઇ દવે

ઉભેલા ડાબેથી: અબ્દુલ્લાભાઈ , નાનુભાઈ પંડ્યા, દિનમણીશંકર ભટ્ટ , રવિન્દ્રભાઈ જાની, મનુભાઈ પટેલ, અબ્બાસભાઈ

સામાજિક સુધારણા અને રંગમંચ

રંગભૂમિ – કલાક્ષેત્ર (1946 – 50)

1940ના દશકમાં અમેરીકામાં પ્રાધ્યાપક ડેવિડ પીટમેને કલાના સમાજશાસ્ત્ર ઉપર ચિંતન કરતા અનુભવ્યું કે “ સામાજિક જગત એ માનવ સર્જન છે અને માનવ જીવનના વિકાસ સાથે કલા સર્જનો પણ વિવિધ પરિબળોની અસર નીચે બદલાતા જાયછે. કેટલાંક લુપ્ત થતાં જાયછે અને કેટલાંક નવા સર્જનો ઉદ્દભવ પણ પામેછે. “ કલા અંગેના વૈશ્વિક ચિંતેનને સ્વરાજની લડત સાથે જોડતા મહાત્મા ગાંધીએ જણાવ્યુકે “ કલાની પાછળ ઉપયોગીતાનું તત્વ જોડાયેલુ હોવું જોઈએ. મનુષ્ય જીવનના સુધાર માટે ઉપયોગી કલા સામગ્રી સુંદર તો લાગશે, પણ વધારે સારી રીતે કામ આપનાર બનશે.” શિશુવિહારની રંગભૂમિ અને કલા કેન્દ્રોની પ્રવૃતિઓ સામાજિક સુધાર અને સામાજિક પરિવર્તનો વચ્ચે ઉપયોગી સર્જનો માટે સજ્જનતાનો વિચાર પ્રસારતી રહીછે.

લેંઘો, પહેરણ , ઉપર ચુંદડી નાખી ચાંદલો થાય એટ્લે સ્ત્રી પાત્ર તૈયાર થાય આમ વિવિધ વેશભૂષા સજી ભાવનગરમાં ખાર દરવાજા (શહેરની મધ્યભાગ) પાસે ઊભા રહી “ દારૂનો દૈત્ય ભરખી ગયો “ “ ચુંદડીનો ખેલ “ જેવા લીલા નાટકો ( ઇંપ્રો વાઈઝેશન )થી આરંભાયેલ ગોદી કામદાર મંડળના શ્રમિકોની આનંદ-મંગળ પ્રવૃતિ વિસ્તરતી ચાલી. કોઈપણ પ્રકારના પદ પ્રતિષ્ઠા નામ કે વળતરની અપેક્ષા વિના જ કેવળ નિજાનંદથી એકત્ર થતાં આનંદ – મંગળ  મંડળના શ્રમજીવીઓ સામે એકજ ધ્યેય હતું. આઝાદી સમયે જે સામાજિક પડકારો આવવા સંભાવના હતી તેની સામે લડવા સમાજને બેઠો કરવો.